શનિવારે સાંજે પત્રકારોને આ માહિતી આપતાં સંયુક્ત રાષ્ટ્રોના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ઝમઝમ અને અબુ શૌક કેમ્પો પર તે આતંકીઓએ મિસાઇલ હુમલા કરતાં આ પરિસ્થિતિ થઈ હતી. સુદાનમાં પરિસ્થિતિ કેટલી બેકાબુ છે, તેનો ખ્યાલ તે પરથી આવી શકે તેમ છે કે, આ બંને કેમ્પ ઉત્તર ડારફુર પ્રાંતનાં પાટનગર અલ-ફશરની નજીક જ હોવા છતાં તેની ઉપર હુમલા થઈ શકે છે.
યુએનનાં સ્થાનિક હ્યુમેનિટેરિયન કો-ઓર્ડીનેટર કલેમેન્ટાઇન નકવેતા સલામીએ જણાવ્યું હતું કે, શુક્રવાર રાતથી શરૂ થયેલું યુદ્ધ શનિવારે પણ ચાલુ રહ્યું હતું. તેમાં મિસાઇલ્સનો પણ ઉપયોગમાં લેવામાં આવ્યાં હતાં. આ હુમલામાં રીલીફ ઈન્ટરનેશનલના મેડીકલ સ્ટાફના તબીબ ડો. મહેમોદ બાબાકેર ઈદ્રીસ તે મેડીકલ ટીમના નેતા આદમ બાબાકેર અબ્દલાહનું પણ મૃત્યું થયું હતું, તેમ સુદાનીઝ ડોક્ટર્સ યુનિયને જણાવ્યું હતું. આ ક્રીમીનલ અને બાર્બેરિક કૃત્ય માટે દેશમાં તબીબી યુનિયને આર.એસ.એફ.ને જવાબદાર કહ્યું હતું.
બીજી તરફ અલ ફશર શહેર ઉપર મિસાઇલ્સ હુમલા થતાં ૨૪૦૦ લોકો કેમ્પ છોડી નાસી ગયા હતા. જોકે હજી સુધી તો આ શહેર સુદાનનાં સત્તાવાર સૈન્યના તાબામાં રહ્યું છે. યુએન કહે છે કે, પ્રાપ્ય માહિતી પ્રમાણે ૨૪,૦૦૦ લોકો આ યુદ્ધમાં માર્યા ગયા છે. પરંતુ ખરેખરો આંક તો તેથી ઘણો વધુ હશે.
વિસ્થાપિતો માટેના બે મોટા કેમ્પમાં ૭ લાખથી વધુ લોકોને આશ્રય અપાઈ રહ્યો છે. આ બધા તે લોકો છે કે જેઓ ડારફુર પ્રાંતમાં ગૃહયુદ્ધ શરૂ થયું ત્યારે ત્યાંથી નાસી છુટયા હતા. આ હુમલાઓને નૃશંસ કહેતા નકવેતા-સલામીએ જણાવ્યું હતું કે, આ હત્યાકાંડમાં નિર્દોષ નાગરિકો જ માર્યા જાય છે.
આટલું ઓછું હોય તેમ આશરે ત્રણ વર્ષથી ચાલી રહેલાં આ ગૃહયુદ્ધ ઉપરાંત ૩ વર્ષથી દેશમાં દુષ્કાળ પડી રહ્યો છે. આ માટે યુએન તથા ઈન્ટીગ્રેટેડ ફૂડ સિક્યોરિટી ફેઝ કલાસિફિકેશન (આઈપીસી) જણાવે છે કે સુદાન અત્યારે સૌથી ખરાબ માનવીય આપત્તિનો સામનો કરી રહ્યું છે. તેના ૨ કરોડ અને ૫૦ લાખ લોકો એટલે કે અર્ધોઅર્ધ જેટલી વસ્તી અસામાન્ય ભૂખમરો વેઠી રહી છે. તેવામાં પાટનગર ખાર્ટુમમાં પણ ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સરકારી દળોએ પાટનગરના કેટલાક વિસ્તારો પાછા મેળવ્યા છે. પરંતુ હજી ઘણા વિસ્તારો ઉપર આરએસએફનો કાબુ છે અને ડારફુર પ્રાંત તથા આસપાસના વિસ્તારો ઉપર તે કબ્જો જમાવી બેઠા છે.