દુનિયાના સૌથી ગરીબ દેશોમાંના એક અને ગૃહ યુદ્ધનો સામનો કરી રહેલા મ્યાંમારમાં ભૂકંપથી ૧૭૦૦થી વધુના મોત નીપજ્યાં છે અને અગણિત લોકોના મૃતદેહો ઈમારતોના કાટમાળ નીચે દબાયેલા છે, જેના કારણે મ્યાંમારના બીજા સૌથી મોટા શહેર માંડલેમાં રસ્તાઓ પર દુર્ગંધ ફેલાઈ રહી છે. બીજીબાજુ અનેક લોકો કાટમાળ નીચે તેમના પરિવારજનો હજુ પણ જીવિત હશે તેવી આશાએ હાથથી ઈમારતોનો કાટમાળ ખસેડી રહ્યા છે.
આ ભયાનક ભૂકંપથી અનેક ઈમારતો તૂટી પડવાની સાથે શહેરના એરપોર્ટ્સ, રસ્તા સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તૂટેલા રસ્તા, પુલ, અને સંચાર વ્યવસ્થામાં અવરોધોના કારણે ગૃહયુદ્ધ વચ્ચે મ્યાંમારમાં રાહત કાર્ય ચલાવવું પડકારજનક બની ગયું છે. અનેક વિસ્તારો સુધી હજુ રાહત ટીમો પહોંચી શકી નથી. હોસ્પિટલોમાં જગ્યા નથી. ટ્રોમા કિટ, લોહીની બેગ, દર્દીને બેભાન કરવાની દવાઓ જેવા જરૂરી મેડિકલ સામાનની ભારે અછત છે. સ્થાનિક લોકો કાટમાળ હટાવવાના ભારે મશીનો વિના જ જીવિત લોકોને શોધવામાં લાગેલા છે. તેઓ ૪૧ ડિગ્રી સે. તાપમાનમાં પણ હાથ અને પાવડાથી કાટમાળ હટાવવા મજબૂર છે.
મ્યાંમારના માંડલેમાં રવિવારે પણ ૫.૧ની તિવ્રતાના આફ્ટરશોક્સથી ધરતી ધુ્રજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકોએ બૂમાબૂમ કરી હતી. ગભરાયેલા લોકો પોતાના ઘરોમાં જતા ડરી રહ્યા છે અને આખી રાત રસ્તા કે મેદાનોમાં પસાર કરી રહ્યા છે. મ્યાંમારમાં ભારત સહિત અનેક દેશો મદદ પહોંચાડી રહ્યા છે. રેડક્રોસે જણાવ્યું હતું કે, તેણે આગામી ૨૪ મહિના માટે ૨૦,૦૦૦થી વધુ પરિવારોના ૧ લાખ લોકોને મદદરૂપ થવા ૧૧.૩૩ કરોડ યુએસ ડોલરની ઈમર્જન્સી સહાય શરૂ કરી છે.
મ્યાંમારની સાથે થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપે ભારે ગભરાટ ફેલાવ્યો હતો. જોકે, બેંગકોક સિટીમાં ૩૩ માળની એકઈમારત તૂટી પડવા સિવાય કોઈ મોટું નુકસાન નહીં થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઈમારત ચીનની કંપની બનાવી રહી હતી. જોકે, હજુ બની રહેલી આ ઈમારત તૂટી પડતાં હવે ચીનની કંપનીઓની ગુણવત્તા સામે સવાલો ઊભા થઈ ગયા છે. આ ઈમારત કેટલીક સેકન્ડમાં જ તૂટી પડી હતી. થાઈલેન્ડમાં ભૂકંપથી રવિવાર સુધીમં ૧૭ લોકોનાં મોત થયા, ૩૨ લોકો ઘાયલ થયા અને ૮૩ લોકો ગુમ થયા હોવાની પુષ્ટી થઈ છે.