Myanmar earthquake: મ્યાંમારમાં આવેલા વિનાશક ભુકંપને ૭૨ કલાક જેટલો સમય થવામાં છે ત્યારે કાળમાળમાં દટાયેલા લોકોની જીવતા મળવાની શકયતા ઘટી રહી છે. ખાસ કરીને મધ્ય મ્યામાંરના વિસ્તારમાં આવેલા ભીષણ ભુકંપની લપેટમાં ૧૬૪૪ કરતા વધુ લોકોના મોત થયા છે જયારે ૩૪૦૮ લોકો ઘાયલ થયા છે. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણે નોંધ્યું હતું કે ૭.૭ મેગ્નિટયૂડની તિવ્રતા ધરાવતા ભૂકંપનું કેન્દ્રબિંદુ માંડલેની નજીક જણાયું હતું.
ભૂકંપ આવ્યાના ૧૦ મિનિટ પછી ૬.૭ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ફરી આવ્યો હતો. ભુકંપથી સૌથી પ્રભાવિત વિસ્તારોમાં રાજધાની નેપિદોનો પણ સમાવેશ થાય છે. મ્યાંમારના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર કમ સે કમ ૧૫૦૦ મકાનો તથા ૬૦ જેટલી સ્કૂલો સંપૂર્ણ ધરાશયી થઇ છે. યુનિસેફમાં પૂર્વીય એશિયા અને પ્રશાંત ક્ષેત્રીય કાર્યાલયના અધિકારી ટ્રવર કલાર્કેના જણાવ્યા અનુસાર માંડલેમાં પાયાની સુવિધાઓને ખૂબ મોટું નુકસાન થયું છે. વીજળી અને સંચારતંત્ર સાવ ઠપ્પ છે.
ઘટના સ્થળે બચાવ રાહતની કામગીરી બજાવી રહેલા લોકોનો સંપર્ક કરવાનું મુશ્કેલ બન્યું છે. મ્યામારની સેનાનું માનવું છે ભુકંપથી ખૂબ તબાહી મચી હોવાથી બચાવકાર્ય પડકારજનક બન્યું છે. ૨૦૨૧માં તખ્તાપલટ થયા પછી મ્યાંમારમાં આર્મીનું શાસન ચાલે છે. જયાં આર્મી અને લોકતંત્રના સમર્થક સંગઠનો વચ્ચે ભારે સંઘર્ષ ચાલતો હતો એ સ્થળે પણ ભયાનક ભૂકંપથી નુકસાન થયું છે. સંઘર્ષના કેટલાક સ્થળો એવા છે જયાં નુકસાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.