OpenAI CEO Faces Sexual Harassments Charges: ચેટજીપીટીના પ્રણેતા અને ઓપનએઆઈના સીઈઓ સેમ અલ્ટમેનની બહેને જ તેના પર જાતિય શોષણનો આરોપ મૂક્યો છે. અમેરિકાની મિસૌરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સેમ અલ્ટમેનની બહેન એન અલ્ટમેને પોતાના જ ભાઈ પર શારીરિક-માનસિક સતામણી કરતો હોવાની ફરિયાદ સાથે કેસ કર્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે, સેમ અલ્ટમેન 1997થી 2006 સુધી મારા પર જાતિય શોષણ કરતો હતો. તે સમયે હું ત્રણ વર્ષની હતી અને સેમ 12 વર્ષનો. મિસૌરીમાં ક્લેટોન સ્થિત અમારા ઘરમાં જ તે વિવિધ રીતે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં.
અઠવાડિયામાં અનેક વાર….
એન અલ્ટમેન આરોપમાં જણાવ્યું હતું કે, ‘અઠવાડિયામાં અનેક વખત સેમ મારા પર દુષ્કર્મ કરતો હતો. સેમના આવા વ્યવહારના કારણે તેનુ માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેમજ હું ડિપ્રેશન સહિત વિવિધ માનસિક તણાવોનો સામનો કરી રહી હતી. આ ઘટનાઓના લીધે હું સામાન્ય જીવન જીવી શકતી નથી.’ એનએ જ્યુરી ટ્રાયલ સહિત પોતાના નુકસાનના કારણે 75 હજાર ડોલરની માગ કરી છે.
પરિવાર સેમ અલ્ટમેન સાથે
એન અલ્ટમેનના તમામ આરોપોને સેમ અલ્ટમેન અને તેના પોતાના જ પરિવારે વખોડ્યા હતા. સેમ અલ્ટમેને ટ્વિટર પર પોતાના પરિવારનો પત્ર રજૂ કરતાં તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. જેમાં તેની માતા કોની અને ભાઈ જેક તથા મેક્સના હસ્તાક્ષર પણ છે. આ પત્રમાં લખ્યું છે કે, ‘એની (એન)એ અમારા પરિવારને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. આ તદ્દન ખોટા દાવાઓ છે. અમે એનની ગોપનીયતા અને માનને ધ્યાનમાં રાખી ક્યારેય જાહેરમાં તેના આવા વ્યવહારનો જવાબ આપવા માગતા ન હતા. પરંતુ તેણે કેસ કરતાં હવે અમારે મૌન તોડવુ પડ્યું છે.’
એનનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ
સેમ અલ્ટમેનના પત્રમાં એનનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમાં લખ્યું છે કે, ‘અમારો પરિવાર એનીને ખૂબ પ્રેમ કરે છે. અને હંમેશા તેનુ હિત જ ઈચ્છે છે. તે ઘણા વર્ષોથી માનસિક રીતે અસ્વસ્થ છે. અમે સતત તેને સાજી કરવાના પ્રયાસો કર્યા છે. તેને હંમેશા આર્થિક અને માનસિક રીતે મદદ કરી છે. પરંતુ તેનું માનસિક સ્વાસ્થ્ય સારૂ ન હોવાથી તે અવારનવાર અમારા ઉપર ખોટા આરોપો મૂકે છે. અમે તેના તમામ ખર્ચાઓ પૂરા કરતાં હોવા છતાં તે સતત પૈસાની માગ કરતી રહે છે. અને જો પૈસા ન મળે તો ખોટા આરોપો મૂકી બદનામ કરે છે.’
એનએ અગાઉ પણ કરી હતી ફરિયાદ
એન અલ્ટમેને નવેમ્બર, 2021માં ટ્વિટર પર જાહેરમાં પોતાના જ ભાઈઓ પર શોષણના આરોપો મૂક્યા હતા. તેણે પોસ્ટ કરી હતી કે, તેના જ સગા ભાઈઓ ખાસ કરીને સેમ અને જેક અલ્ટમેને તેનું જાતિય, શારીરિક, માનસિક, મૌખિક, આર્થિક અને ટેક્નોલોજિકલ શોષણ કર્યું છે.