અસ્તાના, તા. 25 : કઝાખસ્તાનનાં અક્તાઉ એરપોર્ટ પર બુધવારે સવારે ગણતરીની સેકંડોમાં આગનો ગોળો બની જઈને દુર્ઘટનાગ્રસ્ત બનેલાં એક યાત્રી વિમાનમાં સવાર 42 યાત્રીનાં મોત થઈ ગયાં હતાં. 28 યાત્રી જીવીત બચાવી શકાયા હતા. પક્ષીઓનાં ઝુંડ સાથે ટકરાયા પછી જમીન પર ધડાકાભેર ટકરાયેલાં એમ્બ્રેયર – 190 યાત્રી વિમાનના બે ટુકડા થઇ ગયા હતા અને ભીષણ આગ લાગી હતી. મદદ માટે ઘાયલોની ચીસોથી ભારે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.
આ ખતરનાક દુર્ઘટના પછીયે વિમાનના તૂટેલા પાછલા ભાગમાં જીવીત રહેલા યાત્રીઓને સલામત બહાર કાઢવાની કપરી કવાયત સફળતાપૂર્વક હાથ ધરાઇ હતી. વાયરલ થયેલા વીડિયોમાં વિમાનના કાટમાળમાંથી બચાવ-રાહત અભિયાન છેડનાર ટુકડીએ ઘાયલોને ઉગારી, હોસ્પિટલોમાં ખસેડવાનો વ્યાયામ કર્યો હતો તે જોઇ શકાય છે. વિમાન અઝરબૈજાનથી રશિયાના ચેચન્યા પ્રાન્તની રાજધાની ગ્રોઝની તરફ જઈ રહ્યું હતું, પરંતુ અક્તાઉથી ત્રણ કિ.મી. દૂર તાકીદનું ઊતરણ કરવું પડયું હતું. ગાઢ ધુમ્મસનાં કારણે રૂટ બદલાયો હતો. વિમાને તૂટવાથી પહેલાં એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા. પાઇલટે તાકીદનાં ઊતરણની મંજૂરી માગી હતી.
આ ખતરનાક દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ઉડાન ભર્યાની થોડીવારમાં જ વિમાન અચાનક ગતિભેર જમીન તરફ આવતું દેખાય છે. થોડી સેકંડોમાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે. વીડિયોમાં જોરદાર ધડાકાનો અવાજ પણ સંભળાય છે. ધડાકા બાદ ભયાનક આગ અને ધુમાડા હવામાં ઉડતા દેખાય છે. વિમાનનો આગળનો ભાગ આખેઆખો તૂટી ગયો હતો. પાછળના ભાગેથી બચી ગયેલા યાત્રીઓને બહાર કાઢી, બચાવ, રાહત અભિયાન છેડાયું હતું. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે બ્રાઝિલનાં ગ્રામાડો શહેરમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં 10 લોકોનાં મોત થઈ ગયાં હતાં. આજે સવારે સર્જાયેલી દુર્ઘટના પાછળનાં કારણો જાણવા તપાસ આદરાઈ હતી.