Russia Ready For ceasefire: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અંતે યુક્રેન સાથે યુદ્ધવિરામ કરવા તૈયારી દર્શાવી છે. તેમજ આ યુદ્ધવિરામ અને સંઘર્ષ ઉકેલવાના પ્રયાસોમાં મદદરૂપ થનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈસ ઈનસિયો લૂલા દી સિલ્વા સહિત વૈશ્વિક નેતાઓનો આભાર માન્યો હતો.
પુતિને બેલારૂસના રાષ્ટ્રપ્રતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો સાથે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રશિયા દુશ્મની ખતમ કરવાના પ્રસ્તાવો સાથે સહમત છે. પરંતુ તે આ વિચાર સાથે આગળ વધશે કે, આ સમાપ્તિ સાથે સ્થાયી શાંતિ જળવાશે અને સંકટના મૂળ કારણોનું સમાધાન આવશે.
ટ્રમ્પ-મોદી સહિત આ વિશ્વ નેતાઓને કહ્યું થેન્ક્યુ
પુતિને ગ્લોબલ લીડરના વખાણ કરતાં આગળ કહ્યું કે, યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરાર પર ધ્યાન આપવા બદલ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનુ છું. આપણા બધા પાસે સ્થાનિક મુદ્દાઓ ઉકેલવા માટે સમય છે, પરંતુ ઘણા દેશના નેતાઓ આ મુદ્દા પર ધ્યાન આપી રહ્યા છે અને તેને સમય પણ આપી રહ્યા છે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સામેલ છે. અમે આ સમય આપવા બદલ તે તમાન લોકોના આભારી છે. આ યુદ્ધ વિરામનો ઉદ્દેશ એક મોટું મિશન હાંસલ કરવાનો છે. જે શત્રુતા અને જાનમાલના નુકસાનનો અંત લાવવા માગે છે.
પુતિન યુદ્ધ વિરામ કરવા તૈયાર પણ શરતો લાગુ
પુતિને વધુમાં કહ્યું હતું કે, અમે યુક્રેન સાથે ચાલી યુદ્ધ રોકવાના અમેરિકી પ્રસ્તાવો પર સહમત છીએ. પરંતુ કોઈપણ યુદ્ધ વિરામથી સ્થાયી શાંતિ સ્થાપિત થવી જોઈએ અને યુદ્ધના મૂળ કારણો ઉકેલાવા જોઈએ. આ યુદ્ધમાં રશિયા દ્વારા કબજે કરવામાં આવેલા યુક્રેનના વિસ્તારોને સત્તાવાર રીતે રશિયામાં સામેલ કરવામાં આવે, તેમજ યુક્રેન નાટોમાં સામેલ થાય નહીં.
અમેરિકાના પ્રેશરમાં યુદ્ધ રોકવા તૈયાર
પુતિને કહ્યું કે, યુક્રેને સાઉદી અરબમાં અમેરિકાના પ્રેશરમાં યુદ્ધ વિરામની ઈચ્છા વ્યક્ત કરી હશે. રશિયા શાંતિ વાર્તાને સમર્થન આપે છે, પરંતુ તે વાસ્તવમાં અમલમાં મૂકાવી જોઈએ.
અમેરિકાએ આપી હતી ચેતવણી
અમેરિકાએ યુક્રેન સાથે 30 દિવસના યુદ્ધવિરામ પર સહમતિ આપતો કરાર રશિયાને મોકલી આપ્યો હતો. જેના પર રશિયાએ કોઈ પ્રતિક્રિયા ન આપતાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો રશિયા આ મામલે સમર્થન નહીં આપે તો તેમણે આર્થિક નુકસાન ભોગવવા તૈયાર રહેવુ પડશે. ટ્રમ્પના આ નિવેદન બાદ પુતિને સીઝફાયર એગ્રિમેન્ટ મુદ્દે પ્રતિક્રિયા આવી છે.