Singapore Prime Minister Lawrence: સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વૉંગે સિંગાપુરના ઉત્કર્ષમાં ભારતીયોએ કરેલાં પ્રદાનની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય તે છે કે ૨૦૨૦ની ચૂંટણીમાં વૉન્ગની પીપલ્સ-એક્શન-પાર્ટી (પીએપી)એ ૨૭ નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ તેમાં એક પણ ભારત વંશીય ન હતો. આ પછી સિંગાપુરની સંસદમાં પણ તે અંગે ચર્ચા શરૂ થઈ હતી તે સાથે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનની વધતી દાદાગીરી ખાસ કરીને દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનું સાર્વભૌમત્વ હોવાના ચીનના દાવાથી તે વિસ્તારના તમામ દેશો ચેતી ગયા છે. બીજી તરફ સુનામી હોય કે મ્યાનમારમાં થયેલા ધરતીકંપો હોય તે સર્વેમાં ભારતે આપેલાં પ્રદાનની તે દેશોની માત્ર સરકારોએ જ નહીં પરંતુ જનસામાન્યએ પણ નોંધ લીધી છે. તે સંયોગોમાં ઇન્ડોનેશિયા સહિત દ.પૂર્વ એશિયાના દેશો ભારત તરફ વળ્યા છે.
સિંગાપુર સ્થિત ભારતીય યુવાનો સાથેની વાતચીતમાં વડાપ્રધાન લોરેન્સ વૉંગે કહ્યું હતું કે, આપ (ભારતીયવંશીઓ) એક નાનો સમુદાય હોઈ શકે. પરંતુ સિંગાપુરનાં વિકાસમાં આપનો પ્રભાવ જરા પણ ઓછો નથી.
સિંગાપુરનાં વર્તમાનપત્ર વૉંગના જ શબ્દો ટાંક્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે વાસ્તવમાં હું કહીશ કે આપ સર્વે પહેલેથી જ સિંગાપુરની ભાવનાઓનું પ્રતિબિંબ પાડો છો. આપની કથા તે સિંગાપુરની કથા છે. આ સાથે તેઓએ વ્યાપાર, ઉદ્યોગ અને સરકાર સહિત કેટલાંયે ક્ષેત્રોમાં સિંગાપુરમાં ભારતીયોએ કરેલાં પ્રદાનની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં અમારી પાર્ટી ભારતીય ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.
જોકે અત્યારે જ એજન્સી ફોર ઇન્ટીગ્રેટેડકેરના પૂર્વ પ્રમુખ દિનેશ વાસુદાસ, લૉ ફર્મ ટીટો ઈસાક એન્ડ કાું.ના ભાગીદાર કવલપાલ સિંહ, ટ્રેડ યુનિયનના અગ્રણી જગતીશ્વર રાજો, અને ભારતીય ઓર્થોપેડિક સર્જન હમીદ રઝાદ સિંગાપુરમાં જાણીતા છે.
સિંગાપુરના જાણીતા વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે સિંગાપુરની વસ્તીમાં ૨૦૨૪ મુજબ ભારતીયો ૭.૬ ટકા જેટલા જ છે. જ્યારે મલયેશિયન્સ ૧૫.૧ ટકા છે. તો ચીનાઓ ૭૫.૬ ટકા છે. આમ સિંગાપુરમાં વસેલા વિદેશી મૂળના નાગરિકોમાં ભારતીયવંશોની ટકાવારી સૌથી ઓછી હોવા છતાં તેઓનું સિંગાપુરના વિકાસમાં વ્યાપાર ઉદ્યોગથી શરૂ કરી સમાજ-સેવા સુધીનાં ક્ષેત્રમાં સૌથી મહત્ત્વનાં પ્રદાનો રહ્યાં છે.
સિંગાપુરના વડાપ્રધાનના ભારતીય વંશના યુવાનો સાથેની ગોષ્ટિના કાર્યક્રમમાં ભારતીય વંશના સિંગાપુરના ડીજીટલ વિકાસ અને સૂચના રાજ્ય મંત્રી જનિલ પુથુચેરી પણ ઉપસ્થિત હતા. તેઓએ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૩૦ જેટલા ભારતીય યુવાનો સાથે સંવાદ કર્યો હતો.