South Korea plane crash: આજે રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા પ્લેન ક્રેશમાં 179 લોકોના મોત થયાના (South Korea plane crash) અહેવાલ છે. અહેવાલ મુજબ કાટમાળમાંથી અત્યાર સુધીમાં માત્ર બે જ લોકોને બચાવી શકાયા છે. બેંગકોકથી આવી રહેલી જેજુ એર(Jeju Air)ની ફ્લાઇટ લેન્ડ કરી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. એહેવાલ મુજબ પ્લેનમાં 181 લોકો સવાર હતાં. સ્થાનિક સમય અનુસાર લગભગ 9.03 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.
આ કારણે બની દુર્ઘટના!
અહેવાલ મુજબ દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટ બોઇંગનું 737-800 મોડલ હતું. લેન્ડીંગ દરમિયાન કાબુ ગુમાવતા એરક્રાફટ એરપોર્ટની દિવાલ સાથે અથડાયું, અને ભયાનક વિસ્ફોટ સાથે એરક્રાફટ આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. આ ઘટનાનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે, જે જોતા જ ક્રેશની ભયાનકતાનો અંદાજ આવી જાય છે. પ્રાથમિક અહેવાલ મુજબ એરક્રાફટ નીચે ઉતરી રહ્યું હતું ત્યારે પક્ષીઓના ટોળા સાથે અથડાતા આ ઘટના બની હતી, જો કે ચોક્કસ કારણ તપાસ બાદ જ જાણવા મળશે.
2નો બચાવ:
અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એક મુસાફર અને એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. બચી ગયેલા બંનેને હાલમાં નજીકની હોસ્પિટલમાં તબીબી સારવાર આપવામાં આવી રહી છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સૌથી ભયાનક પ્લેન ક્રેશ:
આ દુર્ઘટના દક્ષિણ કોરિયાના ઇતિહાસમાં સૌથી ભયાનક એરક્રાફટ ક્રેશ છે. વર્ષ 2005થી શરુ થયેલી જેજુ એરના ઇતિહાસમાં આ પ્રથમ જીવલેણ અકસ્માત છે. અગાઉ 12 ઓગસ્ટ, 2007ના રોજ, જેજુ એરનું બોમ્બાર્ડિયર Q400 74 મુસાફરોને સાથે દક્ષિણ બુસાન-ગિમ્હે એરપોર્ટ પર ભારે પવનને કારણે રનવે પરથી ઉતરી ગયું હતું, જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. જેજુ એર દક્ષિણ કોરિયાની સૌથી ઓછી કિંમતની એર કેરિયર્સમાંની એક છે.