Sudan Attack: સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે ઓમદુરમાન પ્રાંતના એક ઓપન માર્કેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 54 લોકોના મોત થયા છે અને 158થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુદાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે (1 ફેબ્રુઆરી) આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યાનુસાર, સુદાનના અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ આ હુમલો કર્યો છે.
મહિલાઓ અને બાળકોના મોત
સુદાનના સંસ્કૃતિ મંત્રી અને સરકારી પ્રવક્તા ખાલિદ અલ-અલીસિરે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ‘આ હુમલામાં મોટાભાગે મહિલાઓ અને બાળકો પણ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત હુમલાના કારણે ખાનગી અને જાહેર સંપત્તિઓને મોટા પાયે નુકસાન થયું છે. આ ગુનાહિત કૃત્ય અર્ધલશ્કરી દળોની લોહિયાળ ગતિવિધિઓને ઉજાગર કરે છે. આ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાઓનો ઉલ્લંઘન છે.’
અગાઉ પણ 70ના મોત થયા હતા
સુદાનમાં એપ્રીલ 2023થી સેના અને આરએસએફ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યું છે. સેના અને આરએસએફ વચ્ચે તણાવ વધતા આ સંઘર્ષ શરૂં થયુ હતું, જેના કારણે દેશની રાજધાની ખાર્તૂમ અને પૂર્વના પ્રદેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે. થોડાક દિવસ અગાઉ પણ દારફુર પ્રાંતના એલ ફશરમાં આવેલી એક માત્ર હોસ્પિટલ પર આરએસએફ દ્વારા ઘાતક હુમલો કરાયો હતો, જેમાં આશરે 70 જેટલા લોકોના મોત થયા હતા. નોંધનીય છે કે, અત્યાર સુધી આ સંઘર્ષમાં 28 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને લાખો લોકોને મજબૂર થઇને સ્થળાંતર કરવું પડ્યું છે.