જમણેરી ઉમેદવારો અને તેમના હેતુઓને મસ્કના સમર્થનને કારણે અમેરિકા અને યુરોપમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો થયા. તેમની રાજકીય ગતિવિધિમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ અમેરિકી ફેડરલ વર્કફોર્સમાં ઘટાડો, જર્મનીની ફેડરલ ચૂંટણીમાં પ્રભાવ પાડવો અને અમેરિકાને નાટો છોડી દેવાની ભલામણ સામેલ હતી. આ કાર્યોએ ભારે વિરોધ જન્માવ્યો અને પ્રદર્શનો થયા જેના કારણે ટેસ્લાની જાહેર છબિ ખરડાઈ ગઈ.
ટેસ્લામાં બજારનો વિશ્વાસ પણ ડગી ગયો છે અને તેના શેરમાં ન્યુ યોર્કમાં બુધવારે ટ્રેડિંગ સત્ર અગાઉ ૫.૮ ટકા તૂટયા હતા. ચૂંટણીમાં ટ્રમ્પના વિજય બાદ ઉચ્ચ સ્તરે પહોંચ્યા પછી ટેસ્લાના સ્ટોકમાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ વ્યાપક છૂટછાટ, ભાવમાં કપાત અને અન્ય લાભ ઓફર કર્યા હોવા છતાં વેચાણમાં ઘટાડો થયો છે.
જો કે વિશ્લેષકો હજી પણ વેચાણમાં ઘટાડો વિરોધ વંટોળ અથવા અન્ય પરિબળોને કારણે છે તે નક્કી નથી કરી શક્યા. સામાન્યપણે ઈલેક્ટ્રિક કારોનું વેચાણ નબળું રહ્યું છે અને ટેસ્લાના નવા મોડલ વાયની ખરીદદારો રાહ જોઈ રહ્યા હોવાથી પણ વેચાણ નબળું રહ્યું હોવાનું માનવામાં આવે છે.
મસ્કનું રાજકીય વલણ, સાથે ઉત્પાદનના પડકારોએ આ કાર ઉત્પાદક માટે અસ્થિર વેપાર વાતાવરણ વચ્ચે અનિશ્ચિતતા સર્જી છે.