Toronto shooting: શુક્રવારે રાત્રે ૧૦:૩૦ વાગે પ્રોગ્રેસ એવન્યુ અને કોર્પોરેટ ડ્રાઈવ વિસ્તારમાં આવેલાં સ્કારબરોમાં દારૂનાં એક પીઠામાં અજ્ઞાાત વ્યક્તિએ કરેલા અંધાધૂંધ ગોળીબારને લીધે ૧૧ વ્યક્તિઓને ઇજા થઈ હતી. સદ્ભાગ્યે કોઈનું મૃત્યુ થયું ન હતું. ઇજાગ્રસ્તોની સહાયે ઇમર્જન્સી સર્વિસ તુર્ત જ પહોંચી ગઈ હતી. અને તેઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ માહિતી આપતાં ઊચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર કરીને શખ્સ ઝપાટાબંધ ‘પબ’માંથી નાસી ગયો હતો. તે હજી પકડાયો નથી. તેમજ તેણે કયા પ્રકારનું શસ્ત્ર વાપર્યું હશે તે પણ જાણવા મળ્યું નથી. મહત્ત્વની વાત તે છે કે આ અંધાધૂંધ ગોળીબાર પાછળનું કારણ પણ જાણી શકાયું નથી.
આ ઘટના પછી પોલીસે તુર્ત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઈ વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે તેણે તે પણ કબુલ્યું હતું કે હજી તે ગોળીબાર કરનારો શંકાસ્પદ પકડાયો નથી. તેની ઓળખ પણ થઈ શકી નથી, કે તેને કોની સાથે સંબંધ છે કે, હોઈ શકે તે પણ જાણી શકાયું નથી.
આ સાથે પોલીસે તે વિસ્તારના નાગરિકોને સતત સતર્ક રહેવા જણાવી દીધું છે. સાથે સૂચના આપી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તેની હીલચાલ શંકાસ્પદ લાગે તો તુર્ત જ પોલીસને ખબર આપવા.