Tulsi Gabbard: આપણા ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે મુશ્કેલી આવે ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચો. તે તમને રસ્તો બતાવે છે. મોટા-મોટા વિદ્વાનો આ મંત્ર અપનાવી ચૂક્યા છે. હવે અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે પણ આ જ વાત કહી છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તુલસી ગબાર્ડે કહ્યું કે, ‘ભલે વિશ્વના વિવિધ ભાગોમાં યુદ્ધ ક્ષેત્રોમાં સેવા આપવાની હોય કે, પછી વર્તમાનમાં આપણી સામે આવતા પડકારો હોય, ભગવાન કૃષ્ણ દ્વારા અર્જૂનને ભગવદ ગીતામાં આપેલા ઉપદેશો છે જેનો હું મારા સૌથી સારા અને ખરાબ સમયમાં સહારો લઉં છું. સમય સારો હોય કે ખરાબ હું શ્રીકૃષ્ણની શરણમાં જઉં છું.’
તુલસી ગબાર્ડ 2013માં જ્યારે પ્રથમ હિન્દુ અમેરિકન કોંગ્રેસ સભ્ય બન્યા હતા, ત્યારે તેમણે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તુલસી ગબાર્ડ ભગવાન કૃષ્ણના ભક્ત છે અને તેમણે ઘણી વખત ભગવદ ગીતાનો તેમના આધ્યાત્મિક પ્રેરણા તરીકે ઉલ્લેખ કર્યો છે.
કાશ પટેલે જ્યારે ભરી સભામાં કહ્યું- જય શ્રી કૃષ્ણ
અમેરિકન નેતાઓમાં ભગવદ ગીતા અને શ્રી કૃષ્ણ પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવાની પરંપરા રહી છે. આ પહેલા FBI ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવેલ ભારતીય મૂળના અમેરિકન વકીલ કશ્યપ ‘કાશ’ પટેલે યુએસ હાઉસમાં સુનાવણી દરમિયાન પોતાના માતા-પિતાનો ‘જય શ્રી કૃષ્ણ’ કહીને પરિચય કરાવ્યો હતો. તેમણે કહ્યું, ‘હું મારા પિતા પ્રમોદ અને મારી માતા અંજનાનું સ્વાગત કરવા માગુ છું, જેઓ આજે અહીં બેઠા છે. તેઓ ભારતથી અહીં આવ્યા છે. મારી બહેન નિશા પણ અહીં છે. તે પણ સમુદ્ર પાર મારી સાથે રહેવા આવી છે. મારા માટે એ ખૂબ મોટી વાત છે કે તમે બધા અહીં છો. જય શ્રી કૃષ્ણ.’
જ્યારે અમેરિકન સાંસદે ભગવદ્ ગીતા પર હાથ રાખીને લીધા હતા શપથ
ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસના સભ્ય સુહાસ સુબ્રમણ્યમે શપથ ગ્રહણ સમારોહ દરમિયાન ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તેમના માતાએ આ અંગે ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, તેણે તુલસી ગબાર્ડની પરંપરા જાળવી રાખી છે, જેમણે 2013માં પહેલી વખત યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. આવી જ રીતે ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ અમેરિકન સંસદમાં ભગવદ ગીતાનો એક શ્લોક વાંચ્યો હતો. આ શ્લોકનું પઠન તેમણે એક દ્વિપક્ષીય આંતર-ધાર્મિક પ્રાર્થના સભા દરમિયાન કર્યું હતું, જેમાં તેઓ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.