US Vice-President JD Vance: અમેરિકા તરફથી વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આમ તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી સત્તામાં આવ્યા છે, ત્યારથી એક પછી એક મોટી જાહેરાતો કરતા રહ્યા છે. જોકે હવે અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ ‘ગ્રીન કાર્ડ’ અંગે નિવેદન આપી સૌને ચોંકાવી દીધા છે. વેન્સે ગ્રીન કાર્ડ ધારકોના અધિકારો અંગે ટિપ્પણી કરી નવી ચર્ચા ઉભી કરી છે.
ગ્રીન કાર્ડ પર કાયમી વસવાટની ગેરેન્ટી નહીં
અમેરિકામાં સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડને ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. જો કોઈની પાસે આ કાર્ડ હોય તો તેઓને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર મળી જાય છે. પરંતુ નિયમ મુજબ ગ્રીન કાર્ડમાં કાયમી નિવાસી તરીકે નામ હોવા છતાં તેઓને અમેરિકામાં રાખવા કે નહીં, તેની કોઈ ગેરેન્ટી નથી.
.@VP: A green card holder doesn’t have an indefinite right to be in the United States. This is not about ‘free speech.’ Yes, it’s about national security — but more importantly, it’s about who we, as American citizens, decide gets to join our national community. pic.twitter.com/gRGn1subOy
— Rapid Response 47 (@RapidResponse47) March 14, 2025
ગ્રીન કાર્ડ કાયમી વસવાટ માટે નહીં, રાષ્ટ્ર સુરક્ષા માટે છે : જેડી વેન્સ
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે કહ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ પાસે ગ્રીન કાર્ડ હોય તો તેમને સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનિશ્ચિતકાળનો અધિકાર મળી જતો નથી. આ કાર્ડ સ્વતંત્ર અધિકાર માટે નહીં, પરંતુ તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે છે. અમેરિકાની કાયદાકીય વ્યવસ્થામાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ છે, જેના કારણે ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય, દેશમાં લાંબા સમય સુધી રહેતો ન હોય કે પછી ઈમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેવા વ્યક્તિનું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે.’
ગ્રીન કાર્ડના ફાયદા શું છે?
ગ્રીન કાર્ડ એટલે અમેરિકાનો કાયમી નિવાસી કાર્ડ. આ એક ઓળખ પત્ર છે જે કોઈ વ્યક્તિને અમેરિકામાં કાયમી રૂપે રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે. ગ્રીન કાર્ડ ધરાવનાર વ્યક્તિને અમેરિકન નાગરિકોને મળે છે એવા અધિકારો મળે છે. અલબત્ત, ગ્રીન કાર્ડધારકને અમેરિકન નાગરિકોની જેમ તમામ અધિકારો નથી મળતા.
થોડા દિવસ પહેલા ટ્રમ્પ લાવ્યા હતા ‘ગોલ્ડ કાર્ડ’ યોજના
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) થોડા દિવસ પહેલા ‘ગોલ્ડ કાર્ડ’ યોજના લાવ્યા હતા. ટ્રમ્પની યોજના અનુસાર જે લોકોને અમેરિકન નાગરિકતા જોઈએ છે, તેમણે 50 લાખ ડોલર (લગભગ 43 કરોડ 55 લાખ રૂપિયા) ખર્ચવા પડશે. તેને ‘ગોલ્ડ કાર્ડ’ સ્કીમ નામ આપવામાં આવ્યું છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનીક સાથે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરતી વખતે કહ્યું હતું કે, આ યોજનાનો ધ્યેય વિશ્વભરના અમીર લોકોને અમેરિકા તરફ આકર્ષવાનો છે, જેનાથી દેશમાં નોકરીની તકો વધશે. ઉલ્લેખનીય છે કે, આ ગોલ્ડ કાર્ડ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન હશે. ગોલ્ડ કાર્ડ પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિને ગ્રીન કાર્ડ કરતાં વધુ વિશેષ અધિકારો તો મળશે જ, તેની સાથે અમેરિકામાં રોકાણ કરવાની અને નાગરિકતા મેળવવાની તક પણ મળશે. ભવિષ્યમાં આ રીતે 10 લાખ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે.