પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉગ્ર દેખાવો: પોલીસકર્મીનું મોત

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

ઈસ્લામાબાદ, તા. 12 : પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘઉંના લોટ, વીજળી અને ટેક્સ સહિતના મામલે ચાલી રહેલા પ્રદર્શનમાં રવિવારે એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 100થી વધુ ઘાયલ થયા હતા, જેમાં મોટા ભાગના પોલીસ જવાન હોવાની આશંકા છે. હિંસક પ્રદર્શનના કારણે મીરપુરમાં મોબાઈલ તથા ઈન્ટરનેટ સેવા પર રોક લગાવાઈ હતી અને પાક રાષ્ટ્રપતિએ બેઠક બોલાવી પ્રદર્શન શાંત પાડવા સૂચના આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, મીરપુરના ડીએસપી કમરન અલીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર જોઈન્ટ આવામ એક્શન કમિટી (જએએક)ના બેનર તળે મુઝ્ઝફરાબાદ થઈને કોટલી અને પૂંચ જિલ્લામાંથી નીકળી રહેલી એક રેલીને રોકવામાં અન્ય પોલીસકર્મીઓ સાથે તૈનાત રહેલા સબ ઈન્સ્પેક્ટર અદનાન કુરેશીનું ઈસ્લામગઢમાં હિંસક પ્રદર્શન દરમિયાન ગોળી વાગવાથી મોત થયું હતું.

2 vp

- Advertisement -

મીરપુર વિસ્તારમાં મોબાઈલ તથા ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવી દેવાઈ છે અને પાક રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ તાત્કાલિક બેઠક બોલાવી અધિકારીઓને પ્રદર્શન શાંત કરવા આદેશ આપ્યા હતા. પીઓકેમાં હાલત ગૃહયુદ્ધ સમાન બનવા લાગી છે. પોલીસે શનિવારની આખી રાત દરોડા પણ પાડયા હતા. જેમાં એકશન કમિટીનાં અનેક નેતાઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી. આ અરજકતાભરી સ્થિતિના વીડિયો પણ વાયરલ બન્યા છે. બીજીબાજુ પ્રદર્શનકારી સંગઠનના નેતાઓએ ભારત સરકારને આમાં હસ્તક્ષેપ કરવાની માગણી ઉઠાવી છે. પીઓકેના કાર્યકર અમજદ અયૂબ મિર્ઝાએ કહ્યું હતું કે, નિ:શત્ર દેખાવકારો ઉપર ગોળીબાર થઈ રહ્યાં છે. ભારતને હવે પોતાનું ધ્યાન પીઓકે ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. ગિલગિટ-બાલ્ટીસ્તાન સહિત આ પાક. કબજાગ્રસ્ત વિસ્તારની સ્વતંત્રતા માટે ભારતે સહાય કરવી જોઈએ. નોંધનીય છે કે, શનિવારે પ્રદર્શન દરમિયાન ભારતનો ત્રિરંગો પણ લહેરાવાયો હોવાના હેવાલ સાંપડયા હતા.

Share This Article