What Is Shimla Agreement: શિમલા કરાર રદ કરવાથી પાકિસ્તાન પોતાને જ નુકસાન પહોંચાડશે? જાણો પરિણામો

Arati Parmar
By Arati Parmar 10 Min Read

What Is Shimla Agreement: કાશ્મીર ઘાટીના પહલગામમાં આતંકીઓએ હિન્દુ પર્યટકોને નિશાન બવાનીને ઘાતકી હુમલો કર્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં હવે ભારતે પાકિસ્તાન સામે આકરાં પગલા લીધા છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષાની કેબિનેટ કમિટી સાથે બેઠક યોજી હતી, જેમાં મોટા નિર્ણયો લેવાયા છે. ભારતે હાલ પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરાર અટકાવી દીધા છે અને પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા છૂટ યોજના (SVES) રદ કરી દીધી છે. આ ઉપરાંત નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિઓ’ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પગલાંથી બોખલાયેલા પાકિસ્તાનમાં હવે શિમલા સમજૂતી રદ કરવાની ચર્ચા જોર પકડી રહી છે.

પાકિસ્તાની મીડિયા પ્રમાણે વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે સવારે નેશનલ સિક્યોરિટી કમિટી(NSC)ની ઇમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં શિમલા સમજૂતી રદ કરવા પર વિચાર કરવામાં આવી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઈશાક ડારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, ‘આ બેઠક ભારતના તાજેતરના નિવેદનો અને કાર્યવાહીનો જવાબ આપવા માટે બોલાવવામાં આવી છે.’ પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ટીવી ચેનલ પર દાવો કર્યો હતો કે, પહલગામ હુમલો પાકિસ્તાન સાથે જોડાયેલો નથી અને ભારતના ઘણા ભાગોમાં થયેલી હિંસા “ઘરેલું બળવા”નું પરિણામ છે.

- Advertisement -

એક પાકિસ્તાની ન્યૂઝ પેપરમાં લખવામાં આવ્યું છે કે, સિંધુ નદીના પાણી સુધી પાકિસ્તાનની પહોંચ પર ખતરો મંડરાય છે તો અન્ય દ્વિપક્ષીય કરારોનો પાયો પણ નબળો પડી શકે છે. આના જવાબમાં પાકિસ્તાન નિયંત્રણ રેખા (LOC) સ્થાપિત કરનાર શિમલા સમજૂતી તેમજ અન્ય યુદ્ધવિરામ વ્યવસ્થાને રદ કરવા પર વિચાર કરી શકે છે. પાકિસ્તાની મીડિયામાં આ મુદ્દાની ખૂબ ચર્ચા થઈ રહી છે.

શું છે શિમલા સમજૂતી?

- Advertisement -

શિમલા સમજૂતી હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 28 જૂનથી 2 જુલાઈ 1972 સુધી ચાલેલી અનેક વાટાઘાટોનું પરિણામ હતું. તેના પર ભારતના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી 1971ના યુદ્ધ પછીના તણાવ ઘટાડવા અને બંને દેશો વચ્ચે શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને ન માત્ર લશ્કરી રીતે હરાવ્યું હતું પરંતુ પૂર્વ પાકિસ્તાન(આજના બાંગ્લાદેશ)ને સ્વતંત્ર કરીને પાકિસ્તાનને બે ભાગોમાં વહેંચી દીધું હતું. આ ઉપરાંત ભારતે 93,000થી વધુ પાકિસ્તાની સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા હતા અને લગભગ 5,000 ચોરસ માઇલ પાકિસ્તાની પ્રદેશ પર કબજો કરી લીધો હતો. શિમલા સમજૂતી એક શાંતિ સંધિથી વધારે છે, તે બંને દેશો વચ્ચે ભાવિ સંબંધો માટે એક માળખું પૂરું પાડે છે. તેનો મુખ્ય હેતુ યુદ્ધ પછી ઉદ્ભવતા મુદ્દાઓ, જેમ કે યુદ્ધબંદીઓની વાપસી, કબજે કરેલા પ્રદેશોની આપ-લે અને કાશ્મીર વિવાદને સંબોધવાનો છે.

દ્વિપક્ષીય સમાધાનનો સિદ્ધાંત

- Advertisement -

આ સમજૂતીની સૌથી મહત્ત્વપૂર્ણ જોગવાઈ એ હતી કે ભારત અને પાકિસ્તાન પોતાના તમામ વિવાદો, ખાસ કરીને જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિવાદો દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલશે. આ આંતરરાષ્ટ્રીય મંચો જેવા કે સંયુક્ત રાષ્ટ્ર પર ઉઠાવવાથી રોકવા માટે એક વ્યૂહાત્મક પગલું હતું.

 નિયંત્રણ રેખા(LOC)નું સન્માન

સમજૂતીમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, 17 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધવિરામ બાદ સ્થાપિત નિયંત્રણ રેખાનું બંને દેશો સન્માન કરશે. તેને વાસ્તવિક નિયંત્રણ રેખા (LoC) તરીકે માન્યતા આપવામાં આવી હતી, અને બંને પક્ષો સંમત થયા હતા કે તેઓ તેને એકપક્ષીય રીતે બદલવાનો પ્રયાસ નહીં કરશે.

પ્રદેશોની વાપસી અને યુદ્ધબંદીઓનું આદાન-પ્રદાન

ભારતે યુદ્ધમાં કબજે કરેલા પશ્ચિમ પાકિસ્તાનના પ્રદેશો પાછા આપવા અને 90,000 પાકિસ્તાની યુદ્ધબંદીઓને મુક્ત કરવા સંમત થયું. બદલામાં પાકિસ્તાને બાંગ્લાદેશને માન્યતા આપવા અને દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાનું વચન આપ્યું હતું.

શાંતિ અને સહયોગને પ્રોત્સાહન

બંને દેશોએ એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનો આદર કરવા, બળનો ઉપયોગ ટાળવા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વના સિદ્ધાંતોનું પાલન કરવાનું વચન આપ્યું. વેપાર, સંદેશાવ્યવહાર અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે પગલાં લેવા સંમતિ સધાઈ.

પરમાણુ સ્થિરતા

આ સમજૂતીમાં પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડવા અને પ્રાદેશિક સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

શિમલા સમજૂતીની અસર

શિમલા સમજૂતીએ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પરથી હટાવીને દ્વિપક્ષીય સ્તર પર લાવવામાં ભરતને મહત્ત્વપૂર્ણ સફળતા અપાવી. તેનાથી ભારતે એ સુનિશ્ચિત કર્યું કે કાશ્મીર પર કોઈ તૃતીય પક્ષ, જેમ કે સંયુક્ત રાષ્ટ્ર કે અન્ય કોઈ દેશ હસ્તક્ષેપ નહીં કરશે.

આ સમજૂતીએ તાત્કાલિક લશ્કરી તણાવ ઘટાડવામાં અને દક્ષિણ એશિયામાં સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં યોગદાન આપ્યું. યુદ્ધવિરામ વ્યવસ્થા અને નિયંત્રણ રેખાની સ્થાપનાથી બિનઆયોજિત લશ્કરી વૃદ્ધિ અટકી.

1971ના યુદ્ધ અને શિમલા સમજૂતીથી ભારતને એક પ્રાદેશિક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. ઇન્દિરા ગાંધીના મક્કમ નેતૃત્વથી ભારત વૈશ્વિક મંચ પર એક ગંભીર ખેલાડી તરીકે ઉભરી આવ્યું.

પાકિસ્તાને પોતાના યુદ્ધબંદીઓને અને પ્રદેશોની વાપસી હાંસલ કરી, પરંતુ તે કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવામાં નિષ્ફળ રહ્યું. આ ઉપરાંત નિયંત્રણ રેખા પર સંઘર્ષ અને આતંકવાદને પ્રોત્સાહન આપવા જેવી કરારની જોગવાઈઓનું વારંવાર ઉલ્લંઘનથી તેની વિશ્વસનીયતા નબળી પડી.

તો ભારતને જ થશે ફાયદો

પાકિસ્તાની મીડિયામાં ચર્ચા છે કે પાકિસ્તાન શિમલા સમજૂતી રદ કરવા પર વિચાર કરી શકે છે. જો આવું થશે, તો તેના પાકિસ્તાન માટે ગંભીર પરિણામો આવશે.

કાશ્મીર મુદ્દે આતંરરાષ્ટ્રીય દબાણથી મુક્તિ

શિમલા સમજૂતી કાશ્મીરને દ્વિપક્ષીય મુદ્દો બનાવી રાખવાનો આધાર છે. જો પાકિસ્તાન તેને રદ કરે છે, તો ભારત દલીલ કરી શકે છે કે પાકિસ્તાને પોતે જ આ સમજૂતીને અમાન્ય કરી છે, જેનાથી ભારતને કાશ્મીર પર પોતાની નીતિઓને વધુ મજબૂત કરવાની સ્વતંત્રતા મળશે. ભારત દાવો કરી શકે છે કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે, અને અમે કોઈપણ બાહ્ય દબાણ વિના તેના પર નિર્ણય લઈ શકીએ છે.

રાજદ્વારી અલગાવ

સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનની રાજદ્વારી વિશ્વસનીયતા વધુ નબળી પડશે. વૈશ્વિક સમુદાય તેને એક બેજવાબદાર પગલા તરીકે જોશે, જેનાથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડી શકે છે. ભારત આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પાકિસ્તાનને આતંકવાદના પ્રાયોજક તરીકે વધુ ઉજાગર કરી શકે છે.

સૈન્ય અને વ્યૂહનીતિક સ્વતંત્રતા

શિમલા સમજૂતીમાં નિયંત્રણ રેખાને સ્થાયી સરહદ તરીકે માન્યતા આપવામાં આવી હતી. જો તેને રદ કરવામાં આવે તો, ભારત તેને એક તક તરીકે જોઈ શકે છે અને નિયંત્રણ રેખા પાર, ખાસ કરીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર(PoK)માં વધુ આક્રમક વ્યૂહરચના અપનાવી શકે છે. ભારત PoKમાં વિકાસ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપી શકે છે અથવા ત્યાંના લોકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી શકે છે.

ચીન સાથે સબંધો પર અસર

શિમલા સમજૂતી રદ થવાથી ભારતને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) જેવા પ્રોજેક્ટ્સ પર વધુ સવાલ ઉઠાવવાની તક મળશે, કારણ કે તે PoKમાંથી પસાર થાય છે. ભારત તેને તેની પ્રાદેશિક અખંડિતતા વિરુદ્ધના પગલા તરીકે રજૂ કરી શકે છે.

 પાકિસ્તાનની સંભવિત બરબાદી

શિમલા સમજૂતી રદ કરવી એ પાકિસ્તાન માટે એક આત્મઘાતી પગલું હશે. આ સમજૂતી આંતરરાષ્ટ્રીય સમુદાય સામે પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેને રદ કરવાથી પાકિસ્તાનની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે, અને તે વૈશ્વિક મંચો પર વધુ અલગ પડી શકે છે.

પાકિસ્તાને વારંવાર સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ શિમલા સમજૂતીને કારણે તેને સફળતા નથી મળી. જો સમજૂતી રદ થાય તો પણ આંતરરાષ્ટ્રીય સમુદાય કાશ્મીરને ભારતનો આંતરિક મામલો માની શકે છે, કારણ કે કલમ 370 રદ કર્યા પછી વૈશ્વિક શક્તિઓએ ભારતના વલણને સમર્થન આપ્યું છે. જો સમજૂતી રદ થાય તો ભારત નિયંત્રણ રેખા પર વધુ આક્રમક વલણ અપનાવી શકે છે, જેનાથી પાકિસ્તાનને લશ્કરી અને આર્થિક રીતે ભારે નુકસાન થઈ શકે છે. પાકિસ્તાનનું પહેલેથી જ નબળું અર્થતંત્ર આ વધારાના દબાણને સહન કરી નહીં કરી શકશે.

શિમલા સમજૂતી રદ કરવાથી પાકિસ્તાનનો આતંકવાદને પ્રાયોજિત કરવાનો રૅકોર્ડ વધુ ખુલ્લો પડશે. આનાથી FATF જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાન સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે છે, જેનાથી તેની અર્થવ્યવસ્થા વધુ ખોરવાઈ જશે. પાકિસ્તાન પહેલેથી જ રાજકીય અસ્થિરતા અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સમજૂતી રદ કરવાથી ભારત સાથે તણાવ વધશે, જેની અસર પાકિસ્તાનની આંતરિક સુરક્ષા પર પડશે. બલુચિસ્તાન અને અન્ય પ્રદેશોમાં અલગતાવાદી આંદોલન તીવ્ર બની શકે છે.

પાકિસ્તાનમાં કેમ રદ કરવાની માગ ઉઠી રહી?

પાકિસ્તાની મીડિયા અને વિશ્લેષકોનો દાવો છે કે ભારતના તાજેતરના પગલાં, ખાસ કરીને સિંધુ જળ સંધિ પર રોક એ પાકિસ્તાનના અર્થતંત્ર અને કૃષિ માટે મોટો ઝટકો છે. પાકિસ્તાનની 80% ખેતી સિંધુ નદી પ્રણાલી પર આધારિત છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે શિમલા કરાર રદ કરવો એ ભારત પર દબાણ લાવવાની રણનીતિ હોઈ શકે છે, પરંતુ તેનાથી પ્રાદેશિક તણાવ વધી શકે છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે, પહલગામ હુમલા પાછળ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો હાથ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારતની આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલેરન્સની નીતિ છે. હુમલા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.’ ભારતે 24 એપ્રિલે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો પણ નિર્ણય લીધો છે, જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આગળની રણનીતિ પર ચર્ચા થશે.

Share This Article