નવી દિલ્હી, તા.24 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સમય મુજબ સોમવારે ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી યુક્રેન યુદ્ધના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુન:સ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ‘સમિટ ફોર ધ ફ્યુચર’ દરમિયાન આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિનાન અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ સાથે પણ મુલાકાત કરી હતી.
મોદીએ આ અંગે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ન્યૂયોર્કમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાતમાં અમે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ગયા મહિને યુક્રેનની અમારી મુલાકાતના પરિણામોને અમલમાં મૂકવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની પુન:સ્થાપના માટે મેં ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીને મળ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્વીટ કર્યું કે આ વર્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મારી ત્રીજી દ્વિપક્ષીય મુલાકાત છે.
અમે સક્રિયપણે અમારા સંબંધોને વિકસાવી રહ્યા છીએ.અમારા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના તમારા સ્પષ્ટ સમર્થન માટે હું તમારો આભારી છું એમ તેમણે જણાવ્યું હતું. બેઠક દરમિયાન, ઝેલેન્સકીએ યુક્રેનમાં સંઘર્ષ પર ભારતના ધ્યાનની પ્રશંસા કરી અને તેમાંથી કોઈ રસ્તો શોધવાના પ્રયાસો માટે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો એમ વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક વિશેષ બ્રાફિંગ દરમિયાન જણાવ્યું હતું.